સંજય દત્ત ફેફસાંના કેન્સરના જીવલેણ સ્ટેજ સામે ઝઝૂમી રહ્યો છે, 39 વર્ષ પહેલા માતા નરગિસ તથા 24 વર્ષ પહેલાં પત્ની ઋચાનો જીવ પણ કેન્સરે જ લીધો હતો
61 વર્ષીય સંજય દત્તને લંગ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું. આ સ્ટેજને જીવલેણ માનવામાં આવે છે. જોકે, દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલાં સંજય દત્તની માતા નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પૅન્ક્રિઍટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી. નરગિસની અંતિમ યાત્રાની તસવીર, સુનીલ દત્તે કાંધ આપી હતી તો સંજય દોણી લઈને ચાલતો જોવા મળ્યો હતો નરગિસે 10 મહિના કેન્સર સામેનો જંગ લડ્યો હતો 2 ઓગસ્ટ, 1980ના રોજ નરગિસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને કમળો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા પરંતુ 15 દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને વજન પણ ઝડપથી ઘટતું જતું હતું. તપાસ બાદ સામે આવ્યું કે તેમને પૅન્ક્રિઍટિક (સ્વાદપિંડું)નું કેન્સર છે. નરગિસની સારવાર ન્યૂ યોર્કમાં કરવામાં આવી હતી. જોકે, ભારત પરત ફર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. 2 મે, 1981ના રોજ તેઓ કોમામાં જતાં રહ્યાં હતાં. બીજા જ દિવસે તેમનું મોત થયું હતું. દ...