સંજય લીલા ભણસાલીએ પોલીસને કહ્યું, યશરાજ બેનરને કારણે એક્ટર ‘રામલીલા’-‘બાજીરાવ મસ્તાની’માં કામ ના કરી શક્યો
છ જુલાઈના રોજ સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંજય લીલા ભણસાલીને કુલ 30થી 35 સવાલ પૂછવામાં આવ્યા હતાં.
સૂત્રોના મતે, સંજયે ‘રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મની ઓફર સુશાંતને કરી હતી પરંતુ એક્ટર આ ફિલ્મ સાઈન કરી શક્યો નહોતો. પોલીસ જાણવા માગતી હતી કે આ બંને ફિલ્મમાંથી ડ્રોપ કર્યાં બાદ સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે નહીં.
આ સવાલ પર સંજય લીલા ભણસાલીએ જવાબ આપ્યો હતો,
‘મેં સુશાંતને કોઈ પણ ફિલ્મમાંથી બહાર કર્યો નહોતો અને તેને રિપ્લેસ પણ કર્યો નહોતો. સુશાંત સિંહ રાજપૂત સાથે મારી મુલાકાત વર્ષ 2012માં ‘સરસ્વતીચંદ્ર’ નામની એક સિરિયલના કાસ્ટિંગ દરમિયાન થઈ હતી. જોકે, તે સમયે સુશાંતને સિરિયલ માટે કાસ્ટ કરવામાં આવ્યો નહોતો. જોકે, હું તેની એક્ટિંગથી ઘણો જ પ્રભાવિત થયો હતો.’
‘વર્ષ 2013માં ‘રામલીલા’ તથા વર્ષ 2015માં ‘બાજીરાવર મસ્તાની’ માટે મેં બેવાર સુશાંતનો અપ્રોચ કર્યો હતો. જોકે, તે દરમિયાન સુશાંત યશરાજ બેનર હેઠળ બનતી ફિલ્મ ‘પાની’ના વર્કશોપ તથા શિડ્યૂઅલમાં વ્યસ્ત હતો. એક ડિરેક્ટર તરીકે હું એક્ટરનું પૂરું અટેન્શન તથા ડેડિકેશન ઈચ્છતો હતો. જોકે, સુશાંત પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તેણે બંને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુશાંત સાથે એક પણ ફિલ્મને લઈ વાત કરી નહોતી. ’
‘સુશાંતને હું એક એક્ટર તરીકે ઓળખું છું. તે મારી નિકટ નહોતો કે તે મારી સાથે તેની કોઈ અંગત વાતો શૅર કરે. તે ડિપ્રેશનમાં હતો, તે મને ખબર નથી.’
‘વર્ષ 2016 પછી સુશાંત સાથે માત્ર ત્રણવાર ફિલ્મ શોમાં મુલાકાત થઈ હતી પરંતુ આ સમયે અમારી વચ્ચે ફિલ્મ કરવાને લઈ અથવા તો પછી અન્ય કોઈ વાત પર કોઈ ચર્ચા થઈ નહોતી.’
પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ
ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. એક્ટરના પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ તપાસ હજી ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી.
30થી વધુ લોકોની પૂછપરછ
સુશાંતના સુસાઈડ બાદથી અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત શેખર કપૂરનું નિવેદન લેવામાં આવ્યું છે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Z52wuP
Comments