67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. રિશી કપૂરના નિધનને કારણે ચાહકો, શુભેચ્છો તથા પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. ઈરફાનના નિધનના બીજા જ દિવસે રિશી કપૂરનું નિધન થતાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલમાં રણધીર કપૂરે પોતાના ભાઈને લઈ વાત કરી હતી.
શું કહ્યું રણધીર કપૂરે?
રણધીર કપૂરે કહ્યું હતું કે રિશીના નિધનને 20 દિવસ થઈ ગયા. પરિવાર હજી પણ દુઃખમાં છે. ભગવાન દયાળું છે અને પરિવાર આ દુઃખની ઘડીમાંથી બહાર આવી જશે. પરિવાર રોજ તેમને યાદ કરે છે. તેમની અને રિશી વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેમના મિત્રો કોમન હતાં. તેમની ફૂડ તથા ફિલ્મ્સની પસંદ તેમની ઘણી મળતી આવતી હતી.
ચાહકોનો આભાર માન્યો
રણધીર કપૂરે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વભરના અનેક લોકોએ પરિવાર પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. ઘણાં મેસેજીસ આવ્યા હતાં અને રિશી સાથેના અનુભવો શૅર કર્યાં હતાં. વ્યક્તિગત રીતે દરેકનો આભાર માનવો શક્ય નથી અને તેથી જ તે તમામનો આભાર માને છે. ચાહકોને તેમની ફિલ્મ અને તેનું હાસ્ય યાદ રહી ગયું છે.
હાલમાં જ રિશીના તેરમાની પૂજા યોજાઈ હતી
હાલમાં જ રિશી કપૂરના તેરમાની પૂજા યોજાઈ હતી. આ પ્રસંગે કરિશ્મા કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર, રીમા જૈન, શ્વેતા બચ્ચન, આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રિશી કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયાનું કેન્સર હતું. તેમણે ન્યૂ યોર્કમાં સારવાર પણ કરાવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેમની તબિયત બગડી હતી. રિશી કપૂરે મુંબઈની એચ એન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર હોસ્પિટલની નજીક આવેલા સ્મશાન ચંદનવાડી ખાતે કરવામાં આવ્યા હતાં. તેમની દીકરી રિદ્ધિમા દિલ્હીમાં હોવાથી પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી નહોતી.
Comments