પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે સુશાંતને 30 લાખ મળ્યા હતાં, બાકીની બે ફિલ્મ પહેલી ફિલ્મની સફળતા પર આધારિત હતી
સુશાંત સિંહ રાજપૂતે 2012માં યશરાજ ફિલ્મ્સની સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, આમાંથી બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ જ બની શકી હતી. ત્રીજી ફિલ્મ ‘પાની’ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે બની શકી નહીં. પહેલી ફિલ્મ માટે સુશાંતને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ માહિતી યશરાજની કોન્ટ્રાક્ટ કોપીમાંથી મળી છે. આ કોપી 19 જૂનના રોજ યશરાજ પ્રોડક્શને પોલીસને આપી હતી.
મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. તેની પ્રોફેશનલ લાઈફમાં આવેલા ચઢાવ-ઉતારને પણ પોલીસે ધ્યાનમાં લીધા છે. આ જ કારણે યશરાજ પાસેથી કોન્ટ્રાક્ટની નકલ માગવામાં આવી હતી. કોન્ટ્રાક્ટની સૌથી મહત્ત્વની વાત એ હતી કે ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે વાત પ્રોડક્શન હાઉસ જાતે નક્કી કરશે.
કોન્ટ્રાક્ટની ત્રણ મુખ્ય વાતો
કોન્ટ્રાક્ટ પ્રમાણે, સુશાંતે યશરાજની સાથે ત્રણ ફિલ્મ કરવાની હતી પરંતુ તમામની ટર્મ્સ અને કન્ડિશન અલગ-અલગ હતી. ખાસ કરીને ફીને લઈ ત્રણ પોઈન્ટ્સ હતાં.
- પહેલી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા મળશે. જો ફિલ્મ હિટ ગઈ તો બીજી ફિલ્મ માટે 60 લાખ મળશે. જો ફિલ્મ ફ્લોપ ગઈ તો બીજી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા જ મળશે.
- જો પહેલી તથા બીજી ફિલ્મ હિટ ગઈ તો ત્રીજી ફિલ્મ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. જો પહેલી હિટ અને બીજી ફ્લોપ ગઈ તો ત્રીજી ફિલ્મ માટે 30 લાખ જ મળશે.
- જો પહેલી ફ્લોપ તથા બીજી હિટ ગઈ તો ત્રીજી માટે 60 લાખ રૂપિયા મળશે.
મોટો સવાલઃ બીજી ફિલ્મ માટે એક કરોડ કેમ આપ્યા?
સૂત્રોના મતે, સુશાંતની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ હિટ ગઈ તો યશરાજે બીજી ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ માટે એક કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટ પ્રમાણે તો 60 લાખ રૂપિયા આપવાના હતાં. પ્રોડક્શન હાઉસે કેમ આવું કર્યું? આનો જવાબ હજી સુધી મળ્યો નથી. અત્યાર સુધી જેટલાના પણ નિવેદન લેવામાં આવ્યા તેમણે એમ જ કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.
ક્રિએટિવ ડિફરન્સને કારણે ‘પાની’ બની નહીં
ત્રીજી ફિલ્મ શેખર કપૂરના ડિરેક્શનમાં બનવાની હતી પરંતુ પ્રોડક્શન હાઉસ તથા શેખર કપૂર વચ્ચે ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મ ફ્લોર પર જઈ શકી નહીં. ટ્રેડ પંડિતોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કપૂરે ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા કહ્યું હતું. આદિત્ય ચોપરાને આ બજેટ વધારે લાગ્યું અને તેણે પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
યશરાજના કેટલાંક મોટા અધિકારીઓની પૂછપરછ થઈ
શુક્રવાર (26 જૂન)ના રોજ પ્રોડક્શન હાઉસના બે પૂર્વ અધિકારીઓ આશીષ સિંહ તથા આશીષ પાટિલની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 27 જૂનના રોજ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. પોલીસ હજી પણ કોન્ટ્રાક્ટની જટીલ બાબતોમાં ફસાયેલી છે. આ બાબતોને સમજવા માટે પ્રોડક્શન હાઉસના અન્ય મોટા અધિકારીઓને બોલાવવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VyWalc
Comments