નવી શિક્ષણનીતિ કેબિનેટમાંથી પસાર થઈ ચૂકી છે પણ અત્યાર સુધી સામાન્ય નાગરિકો અનેક મુદ્દાઓ અંગે મૂંઝવણમાં છે. 10+2ના સ્થાને 5+3+3+4ની વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણ હોય કે ફેકલ્ટીની બાધ્યતા ખતમ કરવી… આ તમામ મુદ્દાઓ અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. શિક્ષણનીતિમાં ડિજિટલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકનારા નિશંક પણ સ્વીકારે છે કે આ ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે ગામડાંઓ સુધી ડિજિટલ ભારત અભિયાન પહોંચી જાય અને ગ્રામીણ વિસ્તારોનાં બાળકોને સસ્તાં કમ્પ્યૂટર ઉપલબ્ધ થાય. વાંચો અમિતકુમાર નિરંજન સાથેની વાતચીતના મુખ્ય અંશો….
સવાલ: શિક્ષણ પર જીડીપીનો 6 ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય છે, આ કઈ રીતે થશે?
જવાબ: 10 વર્ષમાં શિક્ષણ પર ખર્ચને વધારી 20% સુધી કરવાની આશા છે. જુદાં જુદાં ક્ષેત્રોની ફન્ડિંગ અને જટિલતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે ફંડ સ્ટ્રીમ જરૂરી છે. તેમાં ઉચ્ચ શિક્ષણ ફાઈનાન્શિયલ એજન્સીના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યોનાં સંસ્થાનો માટે સરકાર ગેરન્ટીવાળી લોન વ્યવસ્થા વિકસિત કરશે.
સવાલ: ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકાય છે પણ ગામડાંઓમાં વિદ્યાર્થીઓ મુખ્ય ધારાથી દૂર થાય છે, કઈ રીતે અટકાવશો?
જવાબ: ઓનલાઈન, ડિજિટલ પ્રણાલીમાં શિક્ષણ ભવિષ્ય માટે તૈયાર કરે છે. જોકે તેનો ફાયદો ત્યારે થશે જ્યારે ડિજિટલ ઈન્ડિયા અભિયાન અને સસ્તાં કમ્પ્યૂટરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.
સવાલ: 5+3+3+4ની પદ્ધતિમાં સ્પષ્ટ નથી કે 10મા-12માના બોર્ડ રહેશે કે નહીં?
જવાબ: 5+3+3+4નો સૌથી મોટો ફાયદો એ છે કે રાઈટ ટુ એજ્યુકેશનના દાયરામાં હવે 3 વર્ષથી 18 વર્ષનાં બાળકો આવી જશે. 10મા અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ રખાશે પણ તેને સરળ બનાવાશે. પ્રેશર ઘટાડવા માટે બે વખત બોર્ડની પરીક્ષા આપવાની છૂટ અપાશે.
સવાલ: સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ખાનગી સ્કૂલોની ફી પર કઈ રીતે સકંજો કસશે?
જવાબ: રાજ્યમાં રચાનાર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી સ્વતંત્ર એકમ હશે જે કોડ ઓફ કન્ડક્ટ બનાવશે. માહિતી SSAની વેબસાઈટ પર અપાશે.
સવાલ: સ્ટ્રીમને ખતમ કરવા અંગે ટીકાકારો કહે છે કે તેનાથી નિષ્ણાત નહીં બને?
જવાબ: એવું નથી. હવે વિદ્યાર્થીઓ અનેક અભ્યાસક્રમના કોર્સ કરી શકશે. ઉદાહરણ તરીકે IIT દિલ્હીથી 2 અભ્યાસક્રમ, જેએનયુથી 3 અને ડીયુથી 1 અભ્યાસક્રમ કરવાની છૂટ મળશે. જેમ કે કોરોના મહામારીનો મેડિકલ પક્ષ, વૈજ્ઞાનિક પક્ષ અને સામાજિક પક્ષ પણ છે. નવી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ દરેક પક્ષનો અભ્યાસ કરી શકશે. જોકે તેને લાગુ કરવામાં થોડોક સમય લાગી શકે છે.
સવાલ: નવી શિક્ષણનીતિ ક્યારથી લાગુ પડશે?
જવાબ: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સલાહ-સૂચન કર્યા પછી રણનીતિ બનાવાશે. રાષ્ટ્રીય સ્તરે પાઈલટ પ્રોજેક્ટ ચલાવાશે જેથી સુનિશ્ચિત થઇ શકે કે વિદ્યાર્થીઓ પર તેની પ્રતિકૂળ અસર ન થાય.
સવાલ: નવી શિક્ષણનીતિ સંપૂર્ણપણે લાગુ કરવામાં કેટલો ખર્ચ થશે?
જવાબ: નવી શિક્ષણનીતિ લાગુ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણમાં જાહેર રોકાણ વધારવું પડશે. 2020 માટે 1,13,684.51 કરોડ વધારાની રકમ નાણાપંચે શેર કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DQxezR
Comments