અયોધ્યામાં પૂજન શરૂ થતાં જ સીતા જન્મસ્થળે શોભાયાત્રા યોજાઈ, જાનકીમંદિરના મહંત ચાંદીની પાંચ ઈંટ લઈને ભૂમિપૂજનમાં અયોધ્યા આવ્યા
સરયૂ નદીના કિનારે બુધવારે ઊઠેલા શ્રીરામના જયઘોષની ગૂંજ સરહદ પાર 500 કિ.મી. દૂર માતા જાનકીના વતન એટલે કે નેપાળના જનકપુર સુધી પહોંચી હતી. કાઠમંડુથી 123 કિ.મી. દૂર સ્થિત જનકપુરના જાનકી મંદિરમાં બુધવારે ઉત્સવનો માહોલ હતો. જે સમયે અયોધ્યામાં મંત્રોચ્ચાર સાથે રામલલ્લાના મંદિરનું ભૂમિપૂજન ચાલતું હતું, ત્યારે જાનકીમંદિર સહિત નેપાળનાં અનેક મંદિરોમાં પણ વિશેષ આયોજન હતાં.
જાનકીમંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિરના મહંત રામ તપેશ્વર દાસ એક કિલો ચાંદીની પાંચ ઈંટ લઈને ભૂમિપૂજનમાં અયોધ્યા ગયા છે. જાનકીમંદિરમાં અખંડ રામાયણના પાઠ કરાયા. ભારતના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. જાનકીમંદિરથી 2018માં વડાપ્રધાન મોદીએ નેપાળ પ્રવાસની શરૂઆત કરી હતી.
રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના શુભારંભની ખુશી સમગ્ર નેપાળમાં મનાવાઈ. કાઠમંડુના પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારી મૂલ ભટ્ટના નેતૃત્વમાં સંહિતા શાસ્ત્રી અર્જુનપ્રસાદ બાસ્તોલાએ રુદ્રાભિષેક કર્યો. આ ઉપરાંત અહીં પૂર્વાંચલ સરહદ નજીકના રૂપનદેહી, નવલપરાસીથી લઈને કાઠમંડુ સુધી લોકોએ આતશબાજી કરી. ગૌતમ બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિનીમાં લોકોએ ઘર બહાર નીકળીને આનંદ વ્યક્ત કર્યો. અયોધ્યામાં શિલાન્યાસ થયો ત્યારે અહીં મંદિરો-ઘરોમાં શ્રીરામની સ્તુતિ કરાઈ. ત્યાર પછી શોભાયાત્રાઓ કઢાઈ અને સાંજે દીપોત્સવનું આયોજન કરાયું.
શ્રીલંકામાં સીતા અમ્માન મંદિરમાં દીપોત્સવ
શ્રીલંકાના ન્યૂવાર ઈલિયા પર્વતીય વિસ્તારમાં આવેલાં સીતા અમ્માન મંદિરમાં રામમંદિર ભૂમિપૂજનના માનમાં ખાસ દીપોત્સવનું આયોજન કરાયું હતું. મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા સુબ્રમણ્યમ થોગીએ કહ્યું કે સમગ્ર મંદિર પરિસરને દેશી ઘીના દીવાથી સજાવાયું અને હનુમાનચાલીસાના વિશેષ પાઠ કરાયા. અહીં માન્યતા છે કે રાવણે સીતાજીનું અપહરણ કરીને આ જ સ્થળે રાખ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30uddaN
via IFTTT
Comments