રાની તેરો, ચિર જીયો ગોપાલ... આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો
નાની વયે જ લક્ષ્ય નક્કી હોય, નિશ્ચિત હોય અને તેને પકડીને જે ટોચ પર પહોંચે તથા વર્ષો સુધી ટોચ પર ટકી રહેવાની ક્ષમતા પણ હોય તો તેનું નામ જસરાજ છે. પંડિત જસરાજ ખરેખર તો પ્રારંભમાં તબલાવાંદક હતા. પોતાના મોટાભાઈ મહાન ગાયક પંડિત મણિરામ સાથે સંગત કરતા હતા. લાહોરની એક સંગીત સભામાં એકવાર ગાયકોને મંચ પર સ્થાન અપાયું અને સંગત આપનારા માટે નીચે બેસવાની વ્યવસ્થા કરાઈ. તે દિવસથી પંડિત જસરાજે તબલાંવાદન છોડી દીધું. એ સંગીત સભામાં પણ સંગત કરી નહીં. તેવું પણ કહેવાય છે કે પંડિત કુમાર ગાંધર્વના કહેવાથી તેમને તબલાં છોડી ગાયકી શરૂ કરી હતી. મંચ પર ગાવા તો માંડ્યા હતા. આ દરમિયાન ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં બીમાર પડ્યા તો તેમની ખબર જોવા ગયા હતા. તેમના શાગિર્દ બનવું ઘણું મુશ્કેલ હતું. એ જ બડે ગુલામ અલી ખાં સાહેબે પંડિત જસરાજને પોતે કહ્યું કે તમે આટલું સારું ગાવ છો તો મારા શાગિર્દ બની જાવ. પંડિત જસરાજે ઇન્કાર કર્યો. કહ્યું કે પંડિત મણિરામ મારા ગુરુ છે, હું તો તેમની પાસે જ શીખીશ.
પિતા મોતીરામ મેવાતના રાજગાયક હતા, સસરા વિખ્યાત ફિલ્મકાર વ્હિ. શાંતારામ હતા પણ પોતાની ગાયિકી દ્વારા પંડિત જસરાજ સૌથી મોટા બની ગયા. ગાતા ગયા. શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય ગાયનમાં તેઓ જેટલા નિષ્ણાત હતા એટલી જ સરળતાથી તેઓ ભજન ગાતા હતા. તેમના અવાજમાં એક મીઠાસ હતી. તે ગળાની ખરજથી આવતી હતી. તેને સમજવું હોય તો એ રીતે સમજી શકાય કે આ ખરજ સૌથી વધુ પંડિત છન્નુલાલ મિશ્રના ગળામાં છે. બોલીએ તો લાગે કે સાથે બીજું કંઈ આવી રહ્યું છે. ગાઈએ તો લાગે કે બોલની સાથે એક ઝરણું વહી રહ્યું છે.
શાસ્ત્રીય ગાયનના દરેક મંચ પર બડા ખયાલ, છોટા ખયાલ, તરાના, બધુ પૂરું થયા પછી શ્રોતાઓની ફરમાઈશ જરૂર આવતી હતી કે - રાની તેરો, ચિર જીયો ગોપાલ... આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો.
સંગીત જાણનારા કેટલાક લોકો તેમની તુલના પંડિત ભીમસેન જોશી સાથે કરતા. ધીમા અવાજે ટીકા પણ કરતા કે પંડિત જસરાજ થોડા ટેકનિકલ થઈ જાય છે. હા સાચું છે, તેઓ શાસ્ત્રીય ગાયન સમયે ટેકનિકલ લાગતા હતા પરંતુ આ તેમની ખામી નહોતી, સંપૂર્ણતા હતી. પરિપક્વતા હતી. કારણ કે તેઓ તબલાંવાદક પણ રહ્યા હોવાથી વીજળીના ચમકારા જેવી લાંબી-લાંબી ધૂન, મધ્યમાં જઈ ફરી મધ્ય સપ્તક સુધી આલાપ સાથે રમી મૂળ સ્થાને આવવામાં પારંગત હતા. પરંતુ જ્યારે ભજન ગાતા હતા તો પંડિત ભીમસેનની જેમ જ સાદગી અને સરળતાથી વહેતા હતા. ચિર જીયો ગોપાલ, હમારે માહી રાધા જુકો રાજ, માઈ મેરો મન મોહ્યો સાંવરે, મોહે ઘર અંગના ના સુહાય... આ અને આવાં હજારો ભજન તેમની ગાયકીની સરળતાના સાક્ષી છે.
પંડિતજીએ એક રાગની પણ રચના કરી હતી તેનું નામ હતું જસરંગી. આ રાગની મહાનતા એ છે કે તેને કોઈ એકલું ગાઈ શકતું નથી. બે જણા ભેગા થઈને જ ગાઈ શકે છે. તેમાં પણ એક પુરુષ અને એક મહિલા હોવી જોઈએ. હકીકતમાં આ એક પ્રકારે જુગલબંધીનો રાગ છે જે બે રાગ અભોગી અને કલાવતીથી બન્યો છે. મહિલા અભોગી અને પુરુષ કલાવતી. તેનું સૌથી કઠિન અને સુંદર પાસું એ છે કે મહિલા ગાયિકા મધ્યમ (મ), પુરુષ ગાયકનો ષડજ (સા) હોય છે. જ્યારે પુરુષ ગાયકનો પંચમ (પ), મહિલા ગાયિકાનો ષડજ (સા) હોય છે.
પંડિત જસરાજે પહેલા આ રાગને પોતાના બે પરમ શિષ્યો - પુત્રી દુર્ગા જસરાજ અને શિષ્ય સંજીવ અભ્યંકર પાસે ગવડાવ્યો હતો. ત્યારપછી સૌથી વધુ સંજીવ અભ્યંકર અને અશ્વિની ભીડે દેશપાંડેએ ગાયો છે.
ગુજરાત સાથે તેમનો ગાઢ સંબંધ હતો. તેઓ સાણંદમાં લાંબા સમય સુધી રહીને ગાતા રહ્યાં હતા. તેમના શિષ્ય દેશ-વિદેશમાં ફેલાયેલા છે. મોટા-મોટા સંગીતકાર છે. તેમના ગાયેલાં ભજન, રાગ અને ચોમેર ફેલાયેલા શિષ્યો જ તેમની સૌથી મોટી અને અમૂલ્ય દોલત છે જેને તેઓ પોતાની પાછળ છોડી ગયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h7l7Nk
Comments