કેજરીવાલે કહ્યું- ટેસ્ટ ભૂલી જાઓ, પહેલાં 6 હજાર દર્દી આવતા હતા, હવે હજારથી પણ ઓછા, યુપી સહિત જ્યાં તક મળશે ત્યાં ચૂંટણી લડીશું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજકાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ એલજીના નિવાસસ્થાને ધરણાં કે કેન્દ્ર સરકાર સાથેની ટક્કરના કારણે નહીં, કોરોના સામે લડવાના દિલ્હી મોડલને લઈને ચર્ચામાં છે. મોદીએ પોતાના સંબોધનમાં દિલ્હી મોડલનાં વખાણ કર્યાં હતાં. કોરોના ટેસ્ટિંગની બદલાયેલી પદ્ધતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. બિહારની ચૂંટણી માથે છે અને આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી છે. કોરોનાની લડાઇના દિલ્હી મોડલના પ્રચારથી આશાન્વિત આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે પક્ષના વિસ્તરણની શક્યતા જુએ છે. જોકે, બિહારની ચૂંટણી માટે તેઓ સમયનો અભાવ હોવાનું કહે છે પણ યુપીના ચૂંટણીજંગમાં ઝુકાવવાની પૂરી તૈયારી છે. આ અંગે કેજરીવાલ સાથેની વાતચીતના મુખ્ય અંશ..
સવાલ: દિલ્હીમાં કોરોનાના દર્દી ઘટી રહ્યા છે. શું અહીં પિક આવી ચૂક્યું છે કે હજુયે ઉપર-નીચે થશે?
કેજરીવાલ: કોરોના અંગે કશું પણ કહી ના શકાય. અમે કોઈ કામમાં કચાશ રાખવા નથી માંગતા. જ્યાં સુધી સંપૂર્ણ કામ ના થઈ જાય ત્યાં સુધી તૈયારી પણ ઓછી કરવાનો નિર્ણય ના લઈ શકાય. કોરોનાના મામલામાં દેશ કરતાં દિલ્હીમાં સ્થિતિ સારી છે. આશા છે કે, ભવિષ્યમાં પણ આવી સ્થિતિ રહે.
સવાલ: આરટીપીસીઆર ટેસ્ટ જ માપદંડ મનાય છે, પરંતુ હવે મોટી સંખ્યામાં રેપિડ એન્ટિજન ટેસ્ટ જ થઈ રહ્યા છે. જ્યારે તેમાં ભૂલની શક્યતા ઘણી વધુ ગણાવાઈ રહી છે. હકીકત શું છે?
કેજરીવાલ: અમે નિષ્ણાત નથી. અમે એ નથી જાણતા કે આ ટેસ્ટ સારો છે કે પેલો ટેસ્ટ વધુ સારો છે. આઈસીએમઆરની જે ગાઈડલાઈન છે તે જ પ્રમાણે ટેસ્ટ અને પોઝિટિવનો રેશિયો દર્શાવાઈ રહ્યો છે. તમે ટેસ્ટ ભૂલી જાઓ, તમે દિલ્હીની ઓવરઑલ સ્થિતિ જુઓ. મૃત્યુ પણ ઘટી રહ્યાં છે. એક સમયે એક જ દિવસમાં છ હજાર દર્દી આવતા આજે હજારથી પણ ઓછા છે. રિકવરી રેટ 90%થી વધુ છે. ટૂંકમાં દિલ્હીમાં કોરોનાની તીવ્રતા ઘટી રહી છે.
સવાલ: તમે રાજ્યોને સતત સલાહ આપો છો કે તેમણે દિલ્હી મોડલ અપનાવવું જોઈએ.
કેજરીવાલ: મેં એવું નથી કહ્યું કે, દિલ્હી મોડલ અપનાવવું જોઈએ. મેં એવું કહ્યું હતું કે, દિલ્હી મોડલની જ બધે ચર્ચા છે. કોવિડ એક એવી ચીજ છે, જેમાંથી બધાએ કંઈક શીખવું જોઈએ. હોમ આઈસોલેશનનું દિલ્હી મોડલ ઉદાહરણીય છે, પરંતુ કન્ટેઈન્મેન્ટ ઝોન ક્યાં બનશે, એ તો દરેક રાજ્યોએ ખુદ તૈયાર કરવાનું છે. મુંબઈના ધારાવી મોડલમાંથી અમે શીખ્યા છીએ.
સવાલ: હવે લૉકડાઉન કેટલું કારગત નીવડશે?
કેજરીવાલ: લૉકડાઉનથી કોરોના અટકતો નથી, ફક્ત મોડું થાય છે. જો આપણી પાસે એક હજાર બેડ બો. અને બે હજાર દર્દી આવવાનું અનુમાન હોય, તો લૉકડાઉનથી બેડ વધારવાની તૈયારી કરવાનો સમય મળે છે.
સવાલ: કોરોના કાળમાં કેન્દ્ર સાથે તમારો તાલમેલ સારો હતો. શું આ જ દિલ્હી મોડલ છે?
કેજરીવાલ: દિલ્હી મોડલનો આધાર જ એ છે કે કોરોના સામે કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ એકલપંડે ના લડી શકે. જેટલી લડાઈ છે, મતભેદ છે, તે બાજુમાં રાખો. અમારી પાસે ઓક્સિજન સિલિન્ડર ઓછાં હતાં, વેન્ટિલેટર પણ ન હતાં. અમે કેન્દ્ર પાસે માંગ્યા, તેમણે આપ્યા.
સવાલ: શું ભવિષ્યમાં પણ કેન્દ્ર સાથે દિલ્હી સરકારની આવી જ જુગબંધી જોવા મળશે?
કેજરીવાલ: દિલ્હીના વિકાસ માટે કોઈ પાસે જઈને મારે હાથ જોડવા પડશે, તો હું એવું કરીશ. કોરોના મહામારીમાં જરૂર પડી ત્યારે અમે કેન્દ્રના નિર્ણયો સામે તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો.
શિક્ષણ સારું હોય, અમે અમારું શિક્ષણ બોર્ડ લાવીશું
કેજરીવાલે કહ્યું કે, અમારું સપનું છે કે શિક્ષણ ઉત્તમ હોવું જોઈએ. સીબીએસઈનું હાલનું મોડલ લોર્ડ મેકોલેના મોડલ પર આધારિત છે. અમે તે બદલવા માંગીએ છીએ. અમે અમારું બોર્ડ લઈને આવીશું. નવી શિક્ષણ નીતિનો મનીષ સિસોદિયા અને તેમની ટીમે અભ્યાસ કર્યો છે. તેમાં ઘણું સારું છે અને કેટલીક ખામીઓ પણ છે. જોકે, તેનો હેતુ અને નિયત સારી છે, પરંતુ તેનો અમલ કેવી રીતે થશે, તેની કોઈ જ રૂપરેખા નથી દેખાતી.
સવાલ: આ વર્ષે બિહારમાં, આવતા વર્ષે યુપીમાં ચૂંટણી છે. શું આમ આદમી પાર્ટી બિહાર, યુપીમાં ચૂંટણી લડશે?
કેજરીવાલ: દિલ્હીમાં કામની આખા દેશમાં ઘણી ચર્ચા છે. અમને જ્યાં તક મળશે ત્યાં કર્તવ્ય પૂર્ણ કરીશું. બિહારમાં અમારી પાસે ઓછો સમય બચ્યો છે. ત્યાં કેટલું કરી શકીશું એ કેવી રીતે કરી શકીશું તે કહેવું મુશ્કેલ છે પણ તૈયારી સાથે આગળ વધતા જઇશું. યુપી સહિત જ્યાં શક્ય હશે ત્યાં ચૂંટણી લડવા પ્રયાસ કરીશું. અમે સંગઠનનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ.
સવાલ: શું રાષ્ટ્રીય સ્તરે અસરદાર વિપક્ષનો અભાવ છે?
કેજરીવાલ: હા, તમારી વાત સાથે સહમત છું પણ હાલ શાસક પક્ષમાં પણ ઘણી ખામીઓ છે. દેશ કોરોના મહામારીથી પીડિત છે, ચીન સરહદે દસ્તક દઇ રહ્યું છે ત્યારે દેશના 2 રાષ્ટ્રીય પક્ષ રાજસ્થાનમાં સરકાર પાડવા અને બચાવવામાં વ્યસ્ત રહ્યા.
સવાલ: ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં પછડાટ બાદ છેવટે રાજસ્થાનમાં કોંગ્રેસ સફળ રહી?
કેજરીવાલ: કોંગ્રેસ ખતમ થઇ ગઇ. જનતાએ જેમને મત આપ્યા તેઓ બજારમાં છે. આને હાર કે જીત, શું કહીશું?
સવાલ: દિલ્હીમાં જીતાડનારા મતદારો તમને સાંસદ નથી ચૂંટતા?
કેજરીવાલ: લોકસભા ચૂંટણીથી સમજાયું કે લોકો અમને દિલ્હીનો પક્ષ માને છે. અમે તેમને સમજાવી ન શક્યા કે તેઓ રાષ્ટ્રીય સ્તરે અમને શા માટે મત આપે?
સવાલ: દિલ્હી પરત ફરેલા શ્રમિકો માટે શું કરી રહ્યા છો?
કેજરીવાલ: દિલ્હીમાં રોજગારીની તકો ખૂલવા લાગી છે. અમે જોબ પોર્ટલ બનાવ્યું, ડીઝલના ભાવ ઘટાડ્યા. તમામ પ્રવૃત્તિઓ ધીમે-ધીમે ખોલી રહ્યા છીએ. વ્યાપાર-ઉદ્યોગ સંગઠનો સાથે વાત કરી. તેમની પાસેથી સારાં સૂચનો મળ્યાં છે.
સવાલ: નવાં વિકાસકાર્યો ક્યાં સુધીમાં શરૂ થઇ જશે?
કેજરીવાલ: રેવન્યૂ થોડી વધી છે. ધીમે-ધીમે વિકાસકાર્યો શરૂ કરી શકીશું. સંપૂર્ણપણે શરૂ કરવામાં સમય લાગશે. દિલ્હી પણ દેશનો જ હિસ્સો છે. કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધીમાં સ્થિતિ સુધરતાં સમય લાગશે. લોકો ધીમે-ધીમે કામ પર પાછા ફરશે.
સવાલ: કેન્દ્રીય વેરામાં દિલ્હીની હિસ્સેદારી ક્યારે વધશે?
કેજરીવાલ: કેન્દ્ર સાથે સતત વાત ચાલી રહી છે. દરેક પ્લેટફોર્મ પર આ વાત ઉઠાવી પણ હજુ સુધી કોઇ નક્કર જવાબ નથી મળ્યો. તે માટે પૂર્ણ રાજ્ય હોવું જરૂરી નથી, કેન્દ્ર ઇચ્છશે તો હિસ્સેદારી વધી જશે.
સવાલ: અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો યોગદાન આપી રહ્યા છે. તમે પણ આપશો?
કેજરીવાલ: પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે બધાએ યોગદાન આપવું જોઇએ અને જે પણ અપાય છે તેની જાહેર ચર્ચા નથી કરાતી. જો હું કહી દઉં કે શું યોગદાન આપીશ તો પછી તે ભક્તિ ન રહેતાં રાજકારણ થઇ જાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3iPhLih
Comments