15 દેશના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ, ચોંકાવનારા પરિણામ મળ્યાઃ સરકાર જેટલી ભારે, દેશમાં તેટલો વધુ ભ્રષ્ટાચાર
દક્ષિણ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરના હાઇ વાયકોમ્બે શહેરના સાંસદ, મેયર અને કોર્પોરેટર દર વર્ષે જાહેરમાં પોતાનું વજન કરાવતા હતા, જનતાને એ જણાવવા માટે કે ટેક્સના નાણાનો ઉપયોગ કરતા કરતા તેમનું વજન વધ્યું નથી. કોઇ નેતાનું વજન થોડુંય વધેલું જણાય તો ટોળું હોબાળો મચાવી દેતું. વર્ષો જૂની આ કવાયતની વર્તમાન સંદર્ભમાં પ્રાસંગિકતા જાણવા ફ્રાન્સની મોન્ટેપેલિયર બિઝનેસ સ્કૂલના સંશોધક પાવ્લો બ્લાવસ્કીએ રસપ્રદ અભ્યાસ કર્યો. તેમણે 15 દેશની સરકારોના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ કર્યો, જેના પરિણામ ચોંકાવનારા રહ્યા. તે દર્શાવે છે કે સરકાર જેટલી ભારે ભરખમ છે તે દેશમાં તેટલો જ વધુ ભ્રષ્ટાચાર છે.
જ્યાં મેદસ્વીતા વધુ ત્યાં ભ્રષ્ટાચાર વધુ હોવાનો દાવો
બ્લાવસ્કીએ 300 કેબિનેટ મંત્રીની તસવીર પરથી તેમના બૉડી-માસ ઇન્ડેક્સ (બીએમઆઇ)નો અંદાજ બાંધ્યો. તેને મિલાન વર્લ્ડ બેન્ક અને ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના આંકડા સાથે મેળવ્યા. તેમણે નોંધ્યું કે જે દેશોના મંત્રીઓનો બીએમઆઇ વધુ હતો તે વધુ ભ્રષ્ટ દેશોમાં સામેલ હતા. એસ્ટોનિયા, લિથુઆનિયા, લાત્વિયા અને જ્યોર્જિયા ઓછા ભ્રષ્ટ દેશ હતા. આ 4 દેશની કેબિનેટ પણ સૌથી સુડોળ હતી જ્યારે તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વધુ હતો તો ત્યાંની કેબિનેટ પણ મેદસ્વી હતી. અભ્યાસમાં તમામ 15 દેશના અંદાજે એક-તૃતીયાંશ મંત્રીઓ સૌથી મેદસ્વી જણાયા. ઉઝબેકિસ્તાનના 54 ટકા અને તાજિકિસ્તાનના 44 ટકા મંત્રી મેદસ્વી જણાયા. માત્ર 3 ટકા મંત્રી સામાન્ય વજન શ્રેણીમાં હતા. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનની છબિ ભલે સ્વસ્થ પુરુષની હોય પણ તેમની કેબિનેટ પડોશી દેશોની માફક મેદસ્વી છે.
ગરીબ-ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશોમાં ઓછો ભ્રષ્ટાચાર
બ્લાવસ્કી કહે છે કે મેદસ્વી લોકો સંતોષી દેખાતા હોય છે પણ તેઓ લોભી હોય છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો રિપોર્ટ જોતાં માલૂમ પડે છે કે ગરીબ અને ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશો ઓછા ભ્રષ્ટ છે. જોકે, આ સંબંધ દરેક મામલે યોગ્ય હોય તે જરૂરી નથી.
આ રીતે અભ્યાસ કરાયો
બ્લાવસ્કીએ 15 દેશના વર્ષ 2017ના મંત્રીઓની 300 તસવીરનો અભ્યાસ કર્યો, જેમાં આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, એસ્ટોનિયા, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, રશિયા, કિર્ગિસ્તાન, લાત્વિયા, લિથુઆનિયા, યૂક્રેન, માલ્ડોવા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. બ્લાવસ્કીએ કમ્પ્યૂટર અલ્ગોરિધમ દ્વારા તસવીરો પરથી બીએમઆઇનું આકલન કર્યું. તેઓ એ જાણીને દંગ રહી ગયા કે બીએમઆઇના મધ્યાંકનો ભ્રષ્ટાચારના ઇન્ડેક્સ સાથે સંબંધ હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33g7iIh
via IFTTT
Comments